અભિવ્યક્તિ (વ્યક્તિના આંતરમનને વ્યક્ત કરવાનું માધ્યમ)

હું પુનિત
અભિવ્યક્તિનો વ્યક્તકર્તા

મારો પરિચય આપું તો વકીલ દાદાનો પૌત્ર, વકીલ પિતાનો પુત્ર પરંતુ હું વકીલાત તરફ ન ગયો કારણકે મને નાનપણથી જ સુર, સંગીત, સાહિત્ય અને અભિનય ક્ષેત્રે વધુ રસ પડ્યો. આમ તો અભ્યાસ વાણિજ્ય સ્નાતકનો પરંતુ મનની અંદર રહેલા સાહિત્યપ્રેમે હાલમાં ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક તરફ પ્રેર્યો.

આ હતો મારો ટૂંકો પરિચય, હવે પરિચય આપું અભિવ્યક્તિનો

દરેક વ્યક્તિના મનના તરંગો, લાગણીઓ, ભાવનાઓને વ્યક્ત થવા માટે એક મંચની એક માધ્યમની આવશ્યકતા હોય છે. વ્યક્તિ તેના મનની લાગણીઓ તરંગો ભાવનાઓને વાચ્ય માધ્યમ કે શ્રાવ્ય માધ્યમ કે પછી કોઈ દ્રશ્ય માધ્યમ દ્વારા અભિવ્યક્ત કરતો હોય છે. વ્યક્ત ન થયેલ લાગણી વ્યક્તિના માનસપટ પર અવળી અસર પાડે છે તેથી દરેક વ્યક્તિએ તેના મનની લાગણીઓને વ્યક્ત તો કરવી જ જોઈએ મારા માનસપટ પર જે લાગણીઓ ઉત્પન્ન થાય છે એ લાગણીઓને હું ક્યારેક વાર્તા, ક્યારેક કવિતા, ક્યારેક પત્ર તો ક્યારેક લેખ સ્વરૂપે શબ્દોમાં અંકિત કરીને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું તો ક્યારેક અમુક અભિવ્યક્તિઓને શબ્દોની સાથે સાથે તેમાં અવાજ ઉમેરીને શ્રાવ્ય માધ્યમ દ્વારા પણ અભિવ્યકત કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. એક સમયે એવો વિચાર આવ્યો કે આ સમગ્ર અભિવ્યક્તિઓને કોઈ એક મંચ પર એકત્રિત / સંકલિત કરીને સૌ મિત્રો સુધી પહોચાડું અને એવા વિચારની સાથે જ જન્મ થયો અભિવ્યક્તિનો. તો આપ સૌની સમક્ષ પ્રસ્તુત છે અભિવ્યક્તિ, આ માત્ર મારા જ મનની અભિયવ્યક્તિ નથી, જો આપના મનમાં પણ કોઈ એવી લાગણી, કોઈ એવા વિચારો, કોઈ એવા તરંગો ઉઠી રહ્યા હોય તો આપ પણ અભિવ્યક્તિના મધ્યમ પર આપની લાગણી વ્યક્ત કરી શકો છો કારણકે આ અભિવ્યક્તિ છે વ્યક્તિના આંતરમનને વ્યક્ત કરવાનું માધ્યમ

© 2023 Abhivyaktee. Powered by Abhivyaktee