પ્રિયે
જ્યારે પણ તને પત્ર લખવા માટે કાગળ અને કલમ હાથમાં લઉં ત્યારે તારો ચહેરો નજર સમક્ષ ઉપસી આવે અને શબ્દો જાણે ક્યાં ખોવાઈ જાય છે, કેટકેટલાં પ્રયત્નો છતાં મારા મનની લાગણીઓને, ઊર્મિઓને હું કાગળ પર શબ્દદેહે ઉતારી શકતો નથી. તારા પ્રત્યેના મારા પ્રેમને વ્યક્ત કરવા માટે મનમાં અગણિત લાગણીઓ ઉમળતી હોય છે પરંતુ જ્યારે તે લાગણીઓને કાગળ પર ઉતરવાનો પ્રયત્ન કરું છું ત્યારે પ્રેમની સામે શબ્દો શૂન્ય બની જાય છે અને તારા ચહેરારૂપી આકાશની પાછળ બધા જ શબ્દો અદ્રશ્ય થઈ જાય છે.
આજે પ્રેમના દિવસે ફરી એકવાર મારા પ્રેમને શબ્દોમાં ઢાળવાની ઇચ્છાથી કાગળ અને કલમ હાથમાં લીધી કે કેમે કરીને મનની લાગણીઓને, મનની અભિવ્યક્તિને શબ્દોમાં વ્યક્ત કરવી જ છે અને તેથી જ આંખો બંધ કરીને જે લાગણીઓ, જે ઊર્મિઓ શબ્દદેહે ઉતરી તેને એમ જ ઉતરવા દીધી કારણ કે હું જાણતો હતો કે જે ક્ષણે આંખ ખોલીશ તે જ ક્ષણે આંખની સમક્ષ તારો ચહેરો ઊભરી આવશે અને ફરી શબ્દો ખોવાઈ જશે.
આશા રાખું છું કે મારી લાગણી જે ગણતરીના શબ્દોમાં જે રીતે ઉતરી છે તે શબ્દોને અને જે લાગણી શબ્દોમાં નથી ઉતરી શકી તેને મનની ભાષામાં પણ સમજીને સ્વીકારીશ.
તારી તસવીરમાં શબ્દો શોધતો તારો હું
Share: