મહા સુદ પાંચમ એટલે કે વસંત પંચમી. જો હું એમ કહું કે હિન્દુ સંસ્કૃતિના ઉદ્દભવના સમયથી વસંત પંચમી અસ્તિત્વમાં રહેલી છે તો તે અસ્થાને નહીં ગણાય, કારણ કે આપણાં વેદ અને પુરાણોમાં પણ વસંતના વિસ્તૃત વર્ણનો છે. ભોળાનાથ (શિવજી)નાં તપોભંગ ની વાત હોય કે તપસ્વી રાજા પાંડુના વ્રતભંગની વાત હોય તેના મૂળમાં તો વસંતના કામબાણ જ રહેલા છે.
આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુ – શિયાળો, ઉનાળો અને ચોમાસુ અને છ પેટા ઋતુઓ – હેમંત, શિશિર, વસંત, ગ્રિષ્મ, વર્ષા અને શરદ, પરંતુ આ બધામાં વસંતને ‘ઋતુરાજ’ ની પદવી કંઈ અમસ્તી જ નથી મળી ! ચોતરફ ખીલી ઊઠેલી વનરાજી, રંગીન કૂં૫ળો અને ફૂલોની તાજી મીઠી સુગંધ પોતે જ વસંતના આગમનની છડી પોકારે છે. આપણે જેમ વિવિધ તહેવારો અને ઉત્સવો ઉજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ પોતાની આગવી રીતે ઉત્સવ ઉજવે છે અને પ્રકૃતિનો ઉત્સવ એટલે ‘વસંત ઋતુ’. ‘વસંત પંચમી’ એટલે જ વસંતોત્સવ નો પ્રથમ દિવસ. આજના દિન થી શરૂ કરીને એક મહિના સુધી ચાલતો પ્રકૃતિ નો ઉત્સવ જોઈને આપણું હૈયું પણ બોલી ઊઠે છે.
“આવ્યો વસંત રે આવ્યો વસંત
મારા વન વગડામાં મહોર્યો વસંત…”
વસંત પંચમી બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. વૃક્ષો પર નવા પર્ણો ખીલે છે, આંબા ડાળે આમ્રમંજરી મહોરી ઉઠે છે. ગુલમહોર, ચંપા, સૂરજમુખી અને ગુલાબના ફૂલો નું સૌંદર્ય પાન કરતાં ભમરાનો ગુંજારવ, ફૂલોના રસ પાન માટે મધમાખી કે પતંગિયા માં લાગેલી હોડ સમી એ ભાગદોડ અને કોયલનાં મીઠા ટહુકા આપણને નવયૌવન બનાવી દે છે. પશ્ચિમના દેશોમાં લોકો જેને ‘વેલેન્ટાઈન ડે’ તરીકે ઉજવે છે તેને જ આપણું કોઈ એક દિવસ પૂરતું જ નહીં પણ એક મહિના સુધી ‘વેલેન્ટાઇન ઋતુ’ તરીકે ઉજવી શકીએ એવી સમૃદ્ધિ બક્ષે છે આ ‘વસંત ઋતુ’
વસંત પંચમી ની વાત કરીએ ત્યારે આધુનિક યુગના કવિ એવા સ્વ. શ્રી મનોજ ખંડેરિયાની પંક્તિઓ યાદ આવ્યા વિના રહે ખરી
“આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફુલોએ બીજું કંઈ નથી પગલાં વસંતના.”
વસંતઋતુ આપણને પ્રેમ અને સૌંદર્યનું મહત્વ સમજાવે છે. હોળી અને ધુળેટી જેવા રંગોના પર્વ પણ વસંત ઋતુમાં જ આવે છે. તો કેસૂડાના કેસરી ફુલોથી છવાયેલું વૃક્ષ વસંતઋતુનું સૂત્રધાર છે. આવો, આપણે સૌ મોબાઇલની, ટેકનોલોજીની કે ભૌતિક સુવિધાઓથી ભરેલી જિંદગીમાં થોડી ક્ષણો પ્રકૃતિના ખોળે ગુજારીએ અને વસંતના સૌંદર્યનું રસપાન કરીએ.
Share: