શિક્ષણના મંદિરમાં હિંસા? શું જવાબદાર આપણે છીએ?

તાજેતરમાં દેશભરમાં બનેલી કેટલીક ઘટનાઓએ આપણને સૌને હચમચાવી નાખ્યા છે. અમદાવાદની એક નામાંકિત શાળામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર કરેલા હુમલાની ઘટના હોય કે પછી દેહરાદૂનમાં એક વિદ્યાર્થીએ પોતાના જ શિક્ષક પર ચલાવેલ ગોળીની ઘટના – આ ઘટનાઓ માત્ર એક ક્રૂર કૃત્ય નથી, પરંતુ આપણા સમાજની ઊંડી બિમારીનો સંકેત છે.

આ એકલદોકલ ઘટનાઓ નથી, પરંતુ એક ભયજનક પેટર્ન છે. આ પ્રશ્નો માત્ર એક પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને ગંભીર પ્રશ્નોની સામે ઊભા કરે છે:

શું આપણે માતા-પિતા તરીકે ખરેખર જાગૃત છીએ?

શું બાળકોના વર્તન અને મૂલ્યોની જવાબદારી ફક્ત શાળાની જ છે?

માતા-પિતા તરીકે આપણી ફરજ પણ એટલી જ અગત્યની નથી?

આવી ઘટનાઓથી એક કડવું સત્ય પણ સામે આવે છે કે, આજની શિક્ષણ વ્યવસ્થા ક્યાંક નિષ્ફળ જઈ રહી છે. આપણે ફક્ત માર્ક્સ અને ટકાવારી પાછળ ભાગીએ છીએ, પરંતુ બાળકોને જીવનના સાચા મૂલ્યો, સંવેદના, અને લાગણીઓનું શિક્ષણ આપવાનું ભૂલી ગયા છીએ.

આપણી શાળાઓ ફક્ત જ્ઞાનનું વિતરણ કરતી ફેક્ટરીઓ બની ગઈ છે. ત્યાં એવા સાચા કેળવણીકારોની જરૂર છે, જેઓ માત્ર પગાર કે આર્થિક લાભ માટે નહીં, પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત હોય. જ્યાં શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર નોકરી મેળવવાનો નહીં, પણ એક સારો અને જવાબદાર નાગરિક બનાવવાનો હોય.

આજના સમયમાં સોશિયલ મીડિયા બાળકો માટે એક મોટું આકર્ષણ છે. મનોરંજન માટે શરૂ થયેલું સ્ક્રોલિંગ ધીમે ધીમે એક વ્યસન બની જાય છે.

હિંસક ગેમ્સ, નકારાત્મક વીડિયો, અને સોશિયલ મીડિયા પર થતી ખોટી સરખામણીઓ – આ બધું બાળકના મન પર ઊંડી અસર કરે છે, જે આગળ ચાલીને હતાશા, ગુસ્સો અને હિંસા જેવી નકારાત્મક ભાવનાઓને જન્મ આપે છે.

નાની ઉંમરે તેઓ વાસ્તવિક જીવન અને વર્ચ્યુઅલ દુનિયા વચ્ચેનો તફાવત સમજી શકતા નથી.

શું આપણે ક્યારેય વિચાર્યું છે કે,

  • આપણું સંતાન સોશિયલ મીડિયા પર શું જોઈ રહ્યું છે?
  • તેના મિત્રો કોણ છે?
  • તેના મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે?

આ ડિજિટલ પ્રદૂષણ રોકવા માટે માત્ર માતા-પિતા જ નહીં, પણ સરકારે પણ કડક પગલાં લેવા જરૂરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના હિંસક અને નકારાત્મક કન્ટેન્ટને નિયંત્રિત કરવું, અને બાળકો માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ બનાવવું એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ.

આવી ઘટનાઓથી બચવા આપણે કેટલાક સકારાત્મક પગલાં લેવા જરૂરી છે:

  • ઘરમાં મોબાઈલ અને ઇન્ટરનેટના ઉપયોગ માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરીએ.
  • દરરોજ બાળકો સાથે થોડો સમય વિતાવીએ, તેમના મિત્રો, શાળાના અનુભવો અને તેમના વિચારો વિશે વાત કરીએ
  • બાળકોને શૈક્ષણિક, પ્રેરણાત્મક અને સર્જનાત્મક સામગ્રી તરફ દોરી જઈએ.
  • જો બાળકના વર્તનમાં કોઈ ફેરફાર જણાય, તો નિષ્ણાત મનોવિજ્ઞાનીઓ અને કાઉન્સેલરોનો સંપર્ક કરવામાં સંકોચ ન રાખીએ.

મિત્રો, બાળકોનું ભવિષ્ય ફક્ત શાળાના ભરોસે ન છોડી શકાય.

શાળા, શિક્ષકો, અને માતા-પિતા – આ ત્રણેયની મજબૂત ભાગીદારીથી જ સંતાનોને સાચી દિશા મળી શકે છે.

આજે આપણે જાગૃત થઈશું, તો જ ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ અટકાવી શકાશે.

યાદ રાખો, બાળકોની સુરક્ષા, સંસ્કાર અને સંવેદના – તે આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.

Share:

© 2023 Abhivyaktee. Powered by Abhivyaktee