An evening at coffee shop

કોફી શોપ પર એક સાંજ

૨૫મી જુલાઈ, રવિવારની સાંજે પ્રિયાંશ બેન્ડ સ્ટેન્ડની સામેના કાફે કોફી ડે માં એક હાથમાં કોફીનો કપ અને એક હાથમાં કલમ લઈને બેઠો હતો. તેનો દર રવિવારનો આ નિયમ હતો. બેન્ડ સ્ટેન્ડના ઉછળતાં મોજાને જોઇને પ્રિયાંશના  મનમાં પણ કવિતા, વાર્તાના વિચારોના મોજા ઉછળતાં અને તેને તે શબ્દોમાં ઢાળીને સુંદર રચનામાં પરિવર્તિત કરતો અને તેમાં પણ અત્યારે તો ઉછળતાં મોજાને સંગત આપવા આકાશ પણ ઝરમર ઝરમર વરસાદ વરસાવી રહેલ હતો. બીજા પણ અમુક લોકો વરસાદ બંધ થવાની રાહ જોવાના બહાને CCDમાં આવીને બેઠા હતાં. CCDની અંદર લગભગ વીસેક ખુરશીઓ રોકાયેલ હતી. પ્રિયાંશ તેની નવી વાર્તાનાં વિચારોને શબ્દદેહ આપવામાં મશગુલ હતો ત્યાં તેના કર્ણપટલ પર એક મધુર સ્વર રણકારે ટકોરા પાડ્યા, Excuse me please, can I sit here if you don’t mind, પ્રિયાંશની લેખનયાત્રામાં ખલેલ પડતા સ્હેજ ગુસ્સા સાથે પ્રિયાંશે આંખ ઉંચી કરી અને સામેની વ્યક્તિને જોતાં જાણે કે તેનો ગુસ્સો વરસતા વરસાદમાં પીગળી ગયો. તેની નજર સામે નીલા રંગનાં બાંધણીના સલવાર સૂટમાં અપ્સરા જેવી કન્યા. ગોરો વાન, એકવડિયો બાંધો, અણીયારી આંખો, નકશીદાર નાક, ગુલાબને પણ શરમાવે એવા હોઠ. પહેલી જ નજરે મોહિત થઇ જવાય એવું રૂપ પ્રિયાંશની સમક્ષ ઉતરી આવ્યું હતું. પ્રિયાંશે એક જ ક્ષણમાં કોફી શોપની અન્ય ખુરશીઓ પર નજર ફેરવી, ક્યાંય જગ્યા ખાલી ન હોવાને સદ્દનસીબ માની હળવા સ્મિત સાથે ઉત્તર આપ્યો, I am not owner of this cafe, so I never mind, you can sit wherever you like… પ્રીતિકાએ Thanks કહી પ્રિયાંશની સામેની ખુરશી પર સ્થાન ગ્રહણ કરતાં shake hand કરવા હાથ લંબાવી પરિચય આપતા કહ્યું, myself Pritika Jain. પ્રિયાંશે હાસ્ય સાથે હાથ મિલાવતા ઉત્તર આપ્યો, Nice to meet you miss. I am Priyansh Raguvanshi, working with shipping company as sales manager and writer by passion આટલું સાંભળતા પ્રીતિકા જાણે ઉછળી જ પડી, wow…. greatમતલબ કે હું એક લેખકની સાથે બેઠી છું? આશા રાખું છું કે મારા આવવાથી આપનું લેખનકાર્ય અટક્યું તો નથી? પ્રિયાંશે હસીને ઉત્તર વાળતા કહ્યું, ના ના આમેય હું વિચારતો હતો. મારી વાર્તાના નાયક-નાયિકાના મિલન પછી આગળ કેવી રીતે વધવું તે કઈ સમજ નહોતી પડતી એટલામાં તમે આવી ગયા. By the way મેં તો મારો પરિચય આપ્યો, તમે હજુ સુધી તમારો પરિચય નથી આપ્યો. પ્રીતિકાએ પોતાના વિષે જણાવતા કહ્યું કે તે એક Infotech Companyમાં HR Head તરીકે કામ કરે છે. આમ ને આમ વાતો-વાતોમાં બે કલાકનો સમય પસાર થઇ ગયો અને ખબર પણ ના પડી. બહાર વરસાદ પણ થંભી ગયો હતો, એટલામાં પ્રિયાંશના મોબાઈલ પર તેના મિત્રનો ફોન આવતા તેને બહાર જવાનું હોતા વાતોનો દોર અટક્યો અને બંને છુટા પડ્યા. અલબત્ત આ બે કલાક દરમ્યાન બંનેએ મોબાઈલ નંબરની આપ લે તો કરી જ લીધી હતી.

પ્રિયાંશનો દર રવિવારે સાંજે ૫ થી ૭ દરમ્યાન આ જ જગ્યા પર બેસીને લેખનકાર્યનો નિયમ હતો જે નિયમમાં હવે લેખનની સાથે પ્રીતિકા સાથેની મુલાકાતનો ઉમેરો થયો હતો. ધીરે ધીરે સમય પસાર થતો ગયો, પ્રિયાંશ અને પ્રીતિકાની પ્રથમ મુલાકાતની પ્રથમ વર્ષગાંઠ આવી પહોંચી. પ્રિયાંશ અને પ્રીતિકા બંનેને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી હતી પરંતુ આજ સુધી બંનેમાંથી કોઈએ એ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી નહોતી. પ્રિયાંશના મનમાં પ્રેમ હોવા છતાં તેણે તેને પ્રગટ નહોતો કર્યો કારણ કે તેને થેલેસેમિયાની બીમારી હતી અને તે નહોતો ઈચ્છતો કે પ્રેમનો પ્રસ્તાવ મુકીને પ્રીતિકાનું ભવિષ્ય જોખમમાં મુકે.

આજે તેમની મુલાકાતની પ્રથમ વર્ષગાંઠ હતી. આજે રવિવાર ન હોવા છતાં મિત્રતાની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા બંને કોફી શોપ પર મળ્યા. આ મુલાકાત પૂર્વ નિર્ધારિત ન હતી તેમ છતાં નિયમ મુજબના સમયે બંને આવી ગયા. પ્રિયાંશના આવ્યાના બે મિનીટ બાદ પ્રીતિકાએ કોફી શોપમાં પ્રવેશ કર્યો અને પ્રિયાંશ તેને જોતો જ રહી ગયો કારણ કે પ્રીતિકા આજે જન્મદિવસ નિમિત્તે પ્રિયાંશે આપેલ કાળી સાડીમાં સજ્જ હતી ઉપરાંત પ્રિયાંશે આપેલ આછા ગુલાબી રંગની લીપસ્ટીક લગાવી હતી અને ગળામાં એ જ નેકલેસ પહેર્યો હતો જે પ્રિયાંશે તેને આપ્યો હતો. પ્રીતિકાને જોઈને પ્રિયાંશ ખુબ ખુશ થઇ ગયો કારણ કે આજે પ્રીતિકાએ એજ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો જે પ્રિયાંશે તેને ભેટમાં આપેલ હતી.

બંનેએ હસ્તધૂનન કર્યા અને પ્રીતિકા પ્રિયાંશની સામેની ખુરશીમાં ગોઠવાઈ, વેઈટર એક પ્લેટમાં બે બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી અને કોલ્ડ કોફીના બે ગ્લાસ મૂકી ગયો. કારણકે હવે તો વેઈટર પણ તેમની પસંદ જાણી ગયો હતો. બંનેએ એકબીજાને પેસ્ટ્રી ખવડાવી. કોફી પીતાં પીતાં પ્રીતિકાએ કહ્યું. પ્રિયાંશ, આજે મારા ઘરે છોકરાવાળા મને જોવા આવવાના છે. આ સાંભળી પ્રિયાંશ ખુશ થયો અને તેણે કહ્યું, આ તો ખુબ સારા સમાચાર છે, મને ખાતરી છે કે એ લોકો તને પસંદ કરી જ લેશે. અહી પ્રીતિકાના ચહેરા પર જરા પણ ખુશી ન હતી. પ્રીતિકાએ છણકા સાથે કહ્યું, પણ મને એ છોકરા સાથે લગ્ન નથી કરવા, મારા મનમાં અન્ય કોઈ વસેલો છે. મૂંઝવણ એ છે કે હું એ છોકરાને કહી નથી શકતી અને એ છોકરો પણ કોઈ કારણોસર મારી સમક્ષ પ્રેમનો એકરાર નથી કરતો પરંતુ હું પણ તેના મોઢે એકરાર કરાવીને જ જંપીશ. આ સાંભળી પ્રિયાંશ અસમંજસમાં પડી ગયો કે પ્રીતિકા પોતાની જ વાત કરે છે કે અન્ય કોઈ યુવકના સંદર્ભમાં કહે છે પરંતુ તેણે એ વાત હસી ને ટાળી નાંખી.

બીજા દિવસે રવિવાર હતો એટલે નિયમ મુજબ પ્રિયાંશ તેની લેખનયાત્રા અને પ્રીતિકા સાથે મુલાકાત માટે CCD આવ્યો અને બીજી તરફ પ્રીતિકાના માતા-પિતા પ્રીતિકાનું માંગું લઈને પ્રિયાંશના ઘરે પહોચ્યા. તેમણે પ્રિયાંશના માતા-પિતાને પ્રિયાંશ-પ્રીતિકાના પરિચય વિશેની રજૂઆત કરી ત્યારે પ્રિયાંશના પિતાએ પ્રિયાંશને થેલેસેમિયા હોવાની વાત જણાવી પરંતુ પ્રીતિકાના પિતાએ કહ્યું અમે અને અમારી દીકરી આ વાત જાણીએ છીએ અને અમને આ લગ્ન થાય તેનો કોઈ વિરોધ નથી. પ્રિયાંશના પિતાએ પ્રિયાંશની ઈચ્છા જાણવા માટે એક દિવસ નો સમય માંગ્યો.

મોડી સાંજે જયારે પ્રિયાંશ ઘરે આવ્યો ત્યારે તેના માતા-પિતાએ તેને’ પ્રીતિકાનું નામ આપ્યા વિના સગાઈનું માંગું આવ્યાની વાત કરી ત્યારે પ્રિયાંશે અણગમા સાથે ઉત્તર આપ્યો કે પપ્પા તમે જાણો છો કે મને થેલેસેમિયા છે અને તેથી મેં લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે પછી તમે શા માટે લોકોને સ્પષ્ટ જણાવી નથી દેતા અને મારી સાથે વાત કરવાનો શો મતલબ છે? આ સાંભળી પ્રિયાંશના મમ્મીએ કહ્યું, બેટા, પહેલા તું તારા રૂમમાં જઈ હાથ-મો ધોઈ આવ પછી આપણે આ બાબતે ચર્ચા કરીશું. પ્રિયાંશ હાથ-મો ધોવા તેના રૂમમાં પ્રવેશ્યો કે સામે નીલા રંગના બાંધણી સુટમાં (જે બાંધણી સુટમાં પ્રિયાંશ અને પ્રીતિકાની પ્રથમ મુલાકાત થઇ હતી) સજ્જ પ્રીતિકા તેની રાહ જોઈ રહી હતી. પ્રીતિકાને જોઇને શું બોલવું એ જ પ્રિયાંશ ને નહોતું સમજાતું એટલામાં પ્રીતિકા પ્રિયાંશની નજીક આવી ગાલ પર ટપલી મારતા બોલી, કેમ લેખક મહાશય, શું વિચારમાં પડી ગયા? હું બધું જાણું છું અને મેં તારી અંદર રહેલા પ્રિયાંશને પ્રેમ કર્યો છે, હવે ઝટ બહાર જઈ ને હા પાડ, મારા સાસુ-સસરા અને તારા સાસુ-સસરા ચારેય જણ તારી હા ની રાહ જોઈ રહ્યા છે. પ્રિયાંશને હસવું કે રડવું એ જ નહોતી ખબર પડતી ત્યાં જ દરવાજા પાસેથી તેના પિતાનો અવાજ સંભળાયો, તમે બંનેએ વાતચીત કરી લીધી હોય તો અમે અંદર આવીએ? અને બીજી જ ક્ષણે પ્રિયાંશ અને પ્રીતિકા વડીલોના આશીર્વાદ લઇ રહ્યા હતા.

Share:

NEWSLETTER

Get all the latest posts delivered straight to your inbox.

You have been successfully Subscribed! Ops! Something went wrong, please try again.

© 2023 Abhivyaktee. Powered by Abhivyaktee