મિત્રો આજે ૨૬ જાન્યુઆરી એટલે કે ભારતીય લોકશાહી માટે ભારતની સ્વતંત્રતા પછીનો સૌ પ્રથમ મહત્વનો દિવસ. ૧૯૫૦માં આજના દિવસે ભારતીય બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું.
અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી શાસન પ્રણાલી એટલે લોકશાહી. ભારતની સ્વતંત્રતા પછી લોકશાહી ભારતના બંધારની રચના કરતી વખતે બંધારણ સમિતિએ લોકશાહીની આ વ્યાખ્યાને અનુસરીને જ બંધારણની રચના કરી હતી. આજે બંધારણના અમલીકરણને ૭૪ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે એક પ્રશ્ન થાય છે કે બંધારણ બનાવતી વખતે જે લોકશાહીની કલ્પના કરવામાં આવી હતી તે ફળીભૂત થઈ રહી છે ખરી? શું આજે ખરેખર લોકોની, લોકો માટે, અને લોકો દ્વારા ચાલતી શાસન પદ્ધતિ છે ખરી?
લોકશાહી બંધારણ મુજબ નાગરિકને મળતા હક્કો આપણે ખરેખર ભોગવીએ છીએ ખરા? શું ભ્રષ્ટાચાર માટે આપણે વિરોધ પ્રદર્શિત કરીએ છીએ ખરા? ચૂંટણીમાં મત આપતી વખતે સારા, સાચા અને સ્થાનિક પ્રશ્નોને સમજનારા ઉમેદવારને મત આપીએ છીએ ખરા? કે પછી કોઈ પ્રકારના લોભ – લાલચમાં મતનો દુરુપયોગ કરીએ છીએ? શું આપણી આસપાસ થતી ગેરરીતિ કે દુર્ઘટનાનો વિરોધ કરીએ છીએ ખરા?
થોડા વર્ષો પહેલાં સુરતમાં કોચિંગ ક્લાસમાં બનેલ આગની ઘટના, યુવતીની સરાજાહેર હત્યાની ઘટના, બળાત્કારની ઘટનાઓ, મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, તાજેતરમાં વડોદરામાં બોટ ડૂબી જવાની ઘટના અને એવી આપણી આસપાસ બનતી અનેક ઘટનાઓ – દુર્ઘટનાઓ માટે આપણે અવાજ ઉઠાવીએ છીએ ખરા? કે પછી જે તે સમયે વિરોધનો મોટો જુવાળ બતાવી પછી શાંત થઈ જઈએ છીએ?
આજે પ્રજાસત્તાક દિવસે આત્મમંથનની જરૂર છે કે શું ખરેખર ભારતની લોકશાહી પ્રજાસત્તાક છે ખરી? શું શાસન પદ્ધતિ ખરેખર લોકોની, લોકો માટે અને લોકો દ્વારા રચાયેલી છે ખરી? અને જો આ પ્રશ્નોના જવાબમાં ના નો ઉત્તર મળતો હોય તો તેને હા માં પરિવર્તિત કરવું હોય તો તે માટે અન્ય કોઈ નહીં પણ આપણે પોતે જ જાગવું પડશે. ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થયા પછી પણ આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર નથી આવ્યા.
ઉઠો, જાગો અને દેશની લોકશાહીને ખરેખર પ્રજાસત્તાક બનાવવા તરફ પગ માંડો.
જય હિન્દ.
જય ભારત.
Share: