ઓગષ્ટ માસના રવિવારની વરસાદી સાંજનો સમય હતો. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. કચ્છ કે જ્યાં વરસાદ સામાન્ય રીતે દર વર્ષે નહિ પણ ત્રણ કે ચાર વર્ષે દર્શન દેતો હોય છે. પાછલા ત્રણ વર્ષ દુકાળ વાળા કાઢ્યા બાદ મેઘરાજાએ કચ્છ પર મહેર કરી હતી. જુલાઈના અંતમાં ખુબ જ સારો વરસાદ કચ્છની ધરાને તૃપ્ત કરી ગયા પછી નાના વિરામ બાદ ફરી ધીમી ધારનો વરસાદ કચ્છની જમીનમાં નવી ઉગેલી હરિયાળીને વધુ પલાળી રહ્યો હતો. આવા ઝરમર વરસાદની ધીમી ધારમાં પલળતો પલ્લવ આદિપુરની ગાંધી સમાધિના લીલાછમ્મ ઘાસમાં બેસીને કઈક વિચારી રહ્યો હતો ત્યાં પાછળથી ખીલખીલાટ હાસ્યનો અવાજ પલ્લવના કાનને જાણે ભીંજવી ગયો. પલ્લવની વિચારતંદ્રામાં ખલેલ પહોચતાં તેણે પાછું વળી ને જોયું તો જોતો જ રહી ગયો. પૃથ્વી પર આવું પણ રૂપ હોય ખરું? તેની નજરની સામે સાતેક સખીઓના વૃંદમાં રતુંમ્બડા ગાલ અને ગુલાબની પાંખડીઓ જેવા હોઠમાંથી હાસ્ય વેરતી, કોમળ હથેળીઓથી તાળીઓ પાડતી, લાંબા વાળને લહેરાવતી પલક બેઠી હતી. વાન સહેજ ઘઉંવર્ણો તેમ છતાં પલક ખુબ જ આકર્ષક લાગતી હતી. પલ્લવ તો પલક ને જોતા જ જાણે કે ખોવાઈ ગયો. એટલામાં આ સખીવૃંદ ઉભું થયું અને હાસ્ય વેરતું પલ્લવની બાજુમાંથી પસાર થઇ ગયું અને અચાનક જ પલ્લવે બુમ પડી “એક્ષ્ક્યુઝ મી બ્યુટીફુલ ગર્લ્સ”. આ સાંભળી એ સખીઓ ઉભી રહી અને પલક સહેજ આગળ આવીને ગુસ્સામાં તાડૂકી “એય મિસ્ટર, તમને શરમ નથી આવતી, આમ જાહેરમાં છોકરીઓની છેડતી કરો છો”. પલ્લવે તદ્દન નિર્લેપભાવે જવાબ આપ્યો કે છોકરીઓની છેડતી કરનારને કોઈની શરમ નથી આવતી હોતી પરંતુ હું તેમાનો નથી, આ તો તમારું પર્સ પડી ગયું અને તમારું નામ ખબર નહોતી અને તમે બધા સુંદર છો એટલે આ રીતે બુમ પાડી, પણ જો તમને આ પર્સ ના જોઈતું હોય તો હું એ તમારી યાદગીરી માની મારી પાસે સાચવીને રાખી મુકીશ. આ સાંભળી પલક શરમાઈ ગઈ અને પર્સ લઈને દોડીને જતી રહી.
બીજા દિવસે પલક ફરી તે જ સમયે ગાંધી સમાધિ પર આવી અને પલ્લવ આવે એવી આશા સાથે ઘણી જ રાહ જોઈ પરંતુ પલ્લવ ના દેખાયો. આમ ને આમ શુક્રવાર સુધી પલક રોજ સાંજે રાહ જોતી રહી પરંતુ તેને સફળતા ન મળી. પલકે હાર ન માની અને તે શનિવારે પણ વહેલી સાંજે આવી ને રાહ જોતી બેઠી અને થોડી વારમાં જ તેણે પલ્લ્વને આવતો જોયો. પલક તો મનોમન ખુશીમાં નાચી ઉઠી. પલ્લવ તેના નિયમ મુજબની જગ્યાએ જઈને બેસી ગયો, તેને જરા પણ ધ્યાન નહોતું કે પલક તેની રાહ જોતી બેઠી છે. પલ્લવ બેઠો કે તરત જ પાછળ થી પલકે આવી ને કહ્યું કે “લાગે છે કે તમારો ગુસ્સો હજુ ઉતર્યો નથી અને તમે હજુ મને માફ નથી કરી” પલક ની આ વાત સાંભળી પલ્લ્વને હસવું આવી ગયું અને તેને જવાબ આપ્યો “મેડમ ગુસ્સો તો તમને આવ્યો હતો અને હું તમને કઈ વાત માટે માફ કરું” પલ્લવના જવાબ પછી બંને હસી પડ્યા અને તેમની આ મુલાકાત મૈત્રી તરફની મુલાકાત બની રહી.
બંને મિત્રોએ એકબીજાનો પ્રાથમિક પરિચય મેળવ્યો. પલ્લવ ગાંધીધામ રહેતો હતો, શનિવાર અને રવિવારના દિવસે આદિપુર કોલેજમાં એમ.એ. ના ક્લાસ એટેન કરતો અને ક્લાસ બાદ એકાદ કલાક ગાંધી સમાધિના શાંત વાતાવરણમાં બેસતો. પલ્લ્વને સાહિત્યનો, ટૂંકી વાર્તાઓ લખવાનો શોખ તેથી તેને આવા શાંત વાતાવરણમાં કઈ કેટલાય નવા વિચારો સ્ફુરતા. પલક મૂળ માંડવીની અને આદિપુરની હોસ્ટેલમાં રહીને બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી. બંને મિત્રો વચ્ચે પ્રાથમિક પરિચયની આપ-લે પછી દર શનિવારે ગાંધી સમાધિના મેદાનમાં મળવાનો તેમનો વણલખ્યો નિયમ બની ગયો હતો.
પલ્લવ અને પલક મળતા ત્યારે એકબીજાના શોખ વિશે, મિત્રો વિશે, એકબીજાના પરિવાર વિશે, કોલેજ વિશે અનેક વાતો થતી. નિર્દોષ મજાક મસ્તી પણ થતી. આવી નિયમિત થતી મુલાકાતો વચ્ચે પલ્લવના મનમાં પલક પ્રત્યેના પ્રેમના અંકુર ફૂટ્યાં પરંતુ તે અંકુર શબ્દોનું પાણી પી ને પ્રગટ નહોતા થઇ શક્યા કારણ કે પલ્લવ નહોતો જાણતો કે પલક તેના પ્રેમના અંકુર ને સ્વીકારનું ખાતર આપશે કે નહિ. તેણે ખુબ જ વિચાર કર્યો અને અંતે એક દિવસ તેણે પલકને કહ્યું કે પલક મને તારી સાથે એક અગત્યની વાત કરવી છે. પલક તું તારા નામની પાછળ તારા પિતાજીનું નામ લગાવે છે, હવે પછી તારા પિતાજીના નામને બદલે મારું નામ લગાવવાનું એટલે કે પલક પલ્લવ રધુવંશી બનવાનું પસંદ કરીશ? આ સાંભળી પલક એક ક્ષણ માટે ગંભીર બની ગઈ અને પછી તેણે વાતને હસી કાઢતા કહ્યું કે પલ્લવ આ તું શું બોલે છે? ધોળા દિવસે પ્રેમના સપના જુએ છે? હું અહીં ભણવા આવી છું પ્રેમ કરવા માટે નહીં. આ જવાબ સાંભળી પલ્લવ શુન્યમનસ્ક બની ગયો અને કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી જતો રહ્યો.
પલ્લવે તેના માતા-પિતા ને તેનો નિર્ણય જણાવી દીધો કે તે લગ્ન નહીં કરે. પલ્લવના માતા-પિતાએ તેને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા, મિત્રો પણ પલ્લ્વને સમજાવીને થાક્યા પણ પલ્લવ તેના નિર્ણય પર અડગ હતો અને કોઈ તેના નિર્ણય પાછળનું કારણ સમજી નહોતા શકતાં.
આમ ને આમ જીદગીમાં બે વર્ષનો સમય ઉમેરાઈ ગયો. પલ્લ્વનો ગાંધી સમાધિના શાંત વાતાવરણમાં બેસીને વિચારયાત્રા કરવાનો નિયમ હજુ પણ અકબંધ હતો. બે વર્ષના વિસામા બાદ આ વર્ષે વરસાદે ફરી દર્શન દીધા હતા. આવી એક વરસાદી સાંજે પલ્લવ અને ઘાસ ઝરમર ઝરમર વરસાદમાં પલળી રહ્યા હતા ત્યારે પલ્લ્વની પાછળથી એક અવાજ સંભળાયો “પલ્લવ આજે ફરી તારી માફી માંગવા આવી છું, મને માફ નહિ કરે?” પલ્લવ પાછળ જોયા વિના જ અવાજ ઓળખી ગયો, એ જ મધુર અવાજ, એ જ રણકો. પલ્લવે પાછળ જોયું તો પાછળ એ જ પલક પરંતુ સદાય હસતો ચહેરો સાવ મુરઝાઈ ગયેલો, ગાલોની રતાશ ફિક્કી પડી ગયેલી, સદાય નાચતી આંખો ઊંડી ઉતરી ગયેલી. બીજી જ ક્ષણે પલક પલ્લવના ખભે માથુ નાખી ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. પલકે કહ્યું પલ્લવ મને માફ કરી દે, મેં મારી સખીઓ સાથે શરત લગાવેલી કે કોલેજકાળમાં હું માત્ર અભ્યાસમાં જ ધ્યાન આપીશ અને પ્રેમ સંબંધથી દુર રહીશ. પલ્લવ એ શરતના જુસ્સામાં મેં તારા પ્રેમનો અસ્વીકાર કર્યો પણ તારા ગયા પછી મને ખબર પડી કે તારો પ્રેમ મારા જીવનનો એક અમૂલ્ય ભાગ બની ગયો હતો. હું જાણું છું કે મેં તારું દિલ દુભાવ્યું છે અને એટલે જ તારી પાસે આવવામાં ડરતી હતી કારણ કે તારો ગુસ્સો સહન કરવાની મારામાં હિંમત નહોતી પણ આજે મારી અંદર રહેલી સઘળી હિંમત એકઠી કરીને તારી માફી માંગવા આવી છું. પલ્લવ કંઈપણ બોલ્યા વિના માત્ર પલકની સામે જોતો રહ્યો. પલકે પૂછ્યું પલ્લવ આમ શું જુએ છે? પલ્લવે કહ્યું પલક મને વિશ્વાસ નથી આવતો કે આ તું બોલે છે, ભાગ્ય ના લેખમાં આવું પણ લખાયું હશે તેની મને કલ્પના પણ નહોતી. તું મારી જિંદગીમાંથી પતંગિયાની જેમ ઉડી જઈશ અને આમ પાછી આવીશ એવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું અને તેણે પલકનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું કે હવે હું આ પતંગિયાને ક્યારેય ઉડવા નહિ દઉં.
પલ્લવ પલકને તેના ઘરે લઇ આવ્યો. બંને પલ્લવના માતા-પિતાને પગે લાગ્યા અને તેમણે પલકને પુત્રવધુ તરીકે આશીર્વાદ આપ્યા.
(શીર્ષક પંક્તિ – બરકત વિરાણી ‘બેફામ’)
Share: