મિત્ર અને મિત્રતાનું મહત્વ આપણા દેશમાં પુરાતન કાળથી થતું આવ્યું છે. કૃષ્ણ-સુદામાની મૈત્રી, કૃષ્ણ-અર્જુનનો સખાભાવ, દુર્યોધન-કર્ણની દોસ્તી આ બધા ઉદાહરણો મૈત્રીનું મહાત્મ્ય દર્શાવે છે. દુર્યોધને કર્ણને મિત્રતાની સોગતમાં આખો અંગપ્રદેશ આપેલ. સુદામાના સામાન્ય તાંદુલ આરોગીને દોસ્તી દાખવતા કૃષ્ણએ ઝુંપડીમાંથી મહેલનું સર્જન કર્યું. અર્જુન સાથેનો, પાંડવો સાથેનો સખાભાવ નિભાવતા કૃષ્ણ સ્વયં અર્જુનનાં રથના સારથી બન્યા, અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો.
આજે આવો મૈત્રી સંબંધ ખુબ જ ઝૂઝ જોવા મળે છે. દરેક વ્યક્તિ પોતે સાચો મિત્ર હોવાનો દાવો તો કરતો હોય છે પરંતુ દરેક વ્યક્તિ સાચો મિત્ર બની શકતો નથી. જે મિત્રો ફક્ત સુખના સમયના જ મિત્રો છે તે ક્યારેય સાચા મિત્રો બની શકતા નથી. આજે ઈ-યુગમાં ઈન્ટરનેટનું મહત્વ વધતું જાય છે. ઇન્ટરનેટે વિશ્વનું અંતર ઘટાડી નાખ્યું છે. ઇન્ટરનેટે સમગ્ર વિશ્વને ઓફીસના કે ઘરના રૂમમાં લાવીને મૂકી દીધું છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહી ગણાય. ઈન્ટરનેટ દ્વારા વિશ્વનાં બે ખૂણાના દેશોના વ્યક્તિઓ એક ક્ષણમાં મિત્ર બને છે. એકબીજાને જોયા વિના, અવાજ સાંભળ્યા વિના માત્ર ઈમેલ અને ચેટીંગ દ્વારા તેઓની મૈત્રી વિકસે છે. આજના યુગને અનુસાર આવી મૈત્રીને ઈ-મૈત્રી નામ આપવું જોઈએ.
સાચો મિત્ર એ જ છે વ્યક્તિના સુખમાં સથવારો આપે અને દુઃખના સમયમાં સાથે રહીને પીઠ થાબડે, દુઃખ દુર કરવામાં સહિયારો સાથ આપે. મિત્રતામાં દંભને કોઈ સ્થાન છે જ નહીં. જે કોઈ વ્યક્તિ મિત્રતાનો દંભ કરે છે મિત્ર હોવાનો દેખાડો કરે છે, તે વ્યક્તિ મિત્રને તો છેતરે જ છે સાથે સાથે મિત્રતાનું પણ અપમાન કરે છે. આ દુનિયામાં અબજો માનવીઓ વસે છે. એકલા ભારતની વસ્તી એક અબજને આંબી ગઈ છે. મોટા શહેરોમાં રસ્તાઓ પર માનવીઓની ભીડ જ દેખાય છે. રસ્તા પર ચાલતી વખતે લોકો એકબીજાને ટકરાતા જાય છે અને ગુસ્સો ઠાલવતા-ઠાલવતા ચાલતા જાય છે. માનવીઓની આવી ભીડ વચ્ચે મિત્રતા એ ભગવાનની ભેટ જ તો છે. અને મિત્ર : મિત્ર એ તો ભગવાનની અમૂલ્ય ભેટ અર્પણ કરવા આવેલ ભગવાનનો દુત છે. જો આવી પવિત્ર ભાવના રાખીને મિત્રતાનો સંબંધ કેળવવામાં આવે, નિભાવવામાં આવે તો આ જગતમાં શાંતિની સ્થાપના કરવી તદ્દન સહેલી છે.
આજે દરેક વ્યક્તિ માનવસહજ ભાવના અનુસાર દરેક સંબંધમાં પોતાનો ફાયદો પહેલા શોધે છે. મૈત્રી એ કોઈ ગણિત નથી કે જેની ગણતરી થાય, કોઈ વ્યવસાય નથી કે જેમાં લેવડ-દેવડની પૂર્વશરત હોય. મૈત્રી એ તો એક કળા છે જે કેળવવાની છે, એક સંબંધ છે જે નિભાવવાનો છે. મહાત્મા ગાંધી અને મહાદેવ દેસાઈ આવા જ મૈત્રી સંબંધનું એક જીવંત ઉદાહરણ કહી શકાય.
મિત્રતાનો પાયો શું હોઈ શકે? આ વાત જો આજના યુવાનો સમજી લે તો પણ સાચી મૈત્રી શું છે તે સમજી જશે. આજના યુવાનો ખરા અર્થમાં સાચી મૈત્રીને સજ્યા-ઓળખ્યા જ નથી. કોઈ ઈમારતની મજબૂતી વિષે પૂછતાં એક જ જવાબ મળશે કે પાયામાં મજબુત પથ્થરો અને દિવાલોમાં ઈંટોની યોગ્ય ગોઠવણી. જો પાયાનો એકાદ પથ્થર કે દિવાલમાંની ઈંટ સહેજ આડી અવળી થઇ જાય તો આખી ઈમારત ભાંગી પડે છે.
મિત્રતાની ઈમારતનું પણ આવું જ છે. મિત્રતાની ઈમારતમાં વિશ્વાસ એ પાયાની મજબૂતી છે અને સાચી સમજ એ ઇંટો છે. વિશ્વાસના પાયા પર સમજની ઇંટો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે તો જ મિત્રતા લાંબો સમય ટકે છે. મૈત્રીમાં સમજ અને વિશ્વાસ નહીં હોય તો તે મૈત્રી ક્ષણભંગુર બની રહેશે. સાચી મૈત્રી એ તો કાચના વાસણ જેવી નાજુક છે તેને સાચવવાની જરૂર પડે છે, નહીં તો એકાદ નાની કાંકરી પણ મૈત્રીમાં તિરાડ ઉભી કરી શકે છે.
સાચો મિત્ર કોણ? એ વ્યક્તિ જેની સાથે ખુબી-ખુશી, સુખ અને દુઃખનું આદાન-પ્રદાન કરી શકાય. જે વ્યક્તિ અન્ય વ્યક્તિની ખુબી જાણતો હોય, ખુશી/સુખના પ્રસંગે આમંત્રણની રાહ જોયા વિના સાથ આપે, દુઃખના બનાવમાં પડખે ઉભો રહે તે જ સાચો મિત્ર છે.
મૈત્રી અને ચંદ્ર વચ્ચે એક ખુબ જ સરસ સંબંધ ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે. પુનમનો સોળે કળાએ ખીલેલો ચંદ્ર જોઇને કેટલો આનંદ થતો હોય છે. પૂર્ણ આકારનો ચંદ્ર કેટલો સોહામણો દિસે છે. સમગ્ર આકાશમાં પ્રકાશ રેલાવે છે, વાતાવરણમાં શિતળતા રેલાવે છે. આવો પુનમનો સોળે કળાએ ખીલેલો ચંદ્ર એટલે સાચો મિત્ર ધરાવતો વ્યક્તિ. લેખકની કલ્પના ખરેખર ઉચ્ચત્તમ અને સુંદર છે. ચંદ્ર અને મિત્ર વચ્ચે લેખકે ખુબ જ સચોટ સંબંધ દર્શાવ્યો છે. જે વ્યક્તિ પાસે સાચો મિત્ર છે તે વ્યક્તિ ખરેખર સંપૂર્ણ છે. કારણકે સાચો મિત્ર પોતાના મિત્રની ખુશી કે વ્યથા કહ્યાં વિના જ સમજી જાય છે. સાચો મિત્ર હંમેશા પડખે ઉભો રહે છે તેથી સાચો મિત્ર ધરાવનાર વ્યક્તિ પુનમના ચંદ્રની જેમ ખીલેલો રહે છે અને પ્રકાશિત રહે છે, અને આમ તે સંપૂર્ણ છે એમ કહી શકાય.
મિત્રતાનું મહત્વ કરતા એનેક લેખો-વિવેચનો-કાવ્યો કેટલાય ગુજરાતી-ભારતીય લેખકો-કવિઓએ લખ્યા છે. વિદેશી લેખકોએ પણ મિત્રતાનું મહત્વ કરવામાં કચાશ નથી રાખી. પરંતુ આવી સાચી મૈત્રી આજે જોવા નથી મળતી. કોઈ બે વ્યક્તીઓ જુના-સાચા મિત્રો હોવાનો દાવો કરતા હોય છે અને નાની એવી વાતમાં મિત્રતાનો સંબંધ તોડીને બેસી જતા હોય છે. કાચા કાનના મિત્રો તો કોઈકની વાત સાંભળીને મિત્રનો વિશ્વાસ ગુમાવી બેસે છે. આવી મૈત્રી સાચી મૈત્રી નથી. સાચા મિત્રો, સારા મિત્રો કાનથી નથી સાંભળતા પરંતુ મનથી અને આંખોથી સાંભળે છે, સાચા મિત્રો આંખ અને મન વડે સમગ્ર વાત સમજી જતા હોય છે.
સાચો મિત્ર એ છે જે તમને સમજે છે. મિત્રની પાસે કોઈ વાતના ખુલાસા કે સ્પષ્ટતા કરવાની જરૂર હોતી નથી. એક મિત્રની મુશ્કેલી, પ્રશ્ન અને તેનું નિરાકરણ મિત્ર જ સારી રીતે જાણી શકે છે. એક લેખકે લખ્યું છે કે મિત્ર એ જ છે કે જે ઉપદેશ નથી આપતો પરંતુ સહવાસ આપે છે. ખરેખર એવા મિત્રો કે જે મુશ્કેલી કે પ્રશ્નને જાન્ય બાદ તેના નિરાકરણ કટે સહવાસ આપે છે એ જ સાચા મિત્રો છે. અને આવા મિત્રો જે સહવાસ આપે છે તે જ મિત્રો તમને સમજી શકે છે અને જે મિત્રો તમને સમજી શકે છે એ તમારું સર્જન કરે છે. તમારી કોઈ ભુલમાં સાચો મિત્ર જ તમને ટોકી શકે છે અને તમારા સારા કાર્ય બદલ સાચો મિત્ર તમને અભિનંદન પણ આપે છે. આ સાચો મિત્ર તમારું સર્જન કરે છે.
મિત્રના નિર્દોષ-નિખાલસ છે. સાચી મૈત્રીમાં કોઈ સ્વાર્થ, કોઈ વિકૃતિ નથી હોતી. સાચી મૈત્રી નિર્લેપ હોય છે. પરંતુ આજની યુવા પેઢીએ આવી નિર્લેપ મૈત્રીને જીવંત રહેવા નથી દીધી. ખાસ કરીને યુવક-યુવતી વચ્ચ્રની મૈત્રીમાં નિખાલસતા મહ્દઅંશે નષ્ટ થઇ ગઈ છે. યુવક અને યુવતી સાચા મિત્ર હોવાનો દાવો કરે છે પરંતુ તે સાચી મૈત્રી નથી, મૈત્રીના બહાને હેઠળ સેક્સ અને પછી મૈત્રી પૂર્ણ. આવી મૈત્રીના કારણે જ નિર્દોષ અને નિખાલસ મૈત્રી બદનામ થઇ છે.
જો કે આ બાબતે માત્ર યુવા પેઢી જ જવાબદાર છે એવું પણ નથી, વડીલો પણ આ બાબતે એટલા જ જવાબદાર છે. યુવક-યુવતીની મૈત્રીને વડીલો-સમાજ હંમેશા શંકાની દ્રષ્ટિથી જ જોતા આવ્યા છે અને આ મૈત્રી તરફ અણગમો વ્યક્ત કરતા રહ્યા છે. દરેક યુવાન (પછી તે યુવક હોય કે યુવતી) તેના સ્વભાવ મુજબ જે માર્ગે વડીલોની અનિચ્છા હોય તે જ માર્ગે ચાલે છે અને પશ્ચિમનું આંધળું અનુકરણ કરતા આપણાં યુવક-યુવતીઓ એ જ માર્ગે ધકેલાયા પરંતુ તેમ છતાં હજુ પણ યુવક-યુવતી વચ્ચે સાચી, નિર્દોષ, નિખાલસ, નિર્લેપ અને પરિપક્વ મૈત્રી જીવંત છે તેના ઘણાં ઉદાહરણો આપણી સામે છે. મૈત્રી માટે બંને મિત્રોમાં પુરતી અને પરિપક્વ સમજ હોવી આવશ્યક છે. બંને મિત્રોમાં જો પરિપક્વ સમાજ હોય તો તે મૈત્રી સમાજ માટે ઉદાહરણરૂપ બને છે.
આજે સમગ્ર વિશ્વમાં અશાંતિનું વાતાવરણ છે આવા વાતાવરણમાં દરેક મિત્રો સાચી મૈત્રી નિભાવવાની, સારી મૈત્રી કેળવવાની નેમ લે અને ખરેખરો મૈત્રી સંબંધ નિભાવે તો આ અશાંતિ ક્યાંય દુર થઇ જશે અને સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપના મિત્રતાના પાયા પર થશે.
Share: