પ્રેમ, આ અઢી અક્ષરના શબ્દને સમજવા માટે સમગ્ર વિશ્વનાં અગણિત લેખકો, વિવેચકોએ અગણ્ય લેખો લખ્યા છે, પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે, પરંતુ આજે પણ પ્રેમ શું છે તેનો કોઈ સચોટ અને એક સમાન અર્થ કોઈ સમજાવી શક્યું નથી. પ્રેમ શાબ્દિક રીતે જેટલો સરળ લાગે છે તેટલો જ અઘરો અને જટીલ છે અને તેની સાચી સમજ પ્રાપ્ત કરવા માટે પ્રેમનો પ્રત્યક્ષ અનુભવ લેવો જરૂરી છે એમ કહેવું જરા પણ અસ્થાને નહિ ગણાય.
શ્રી ગુણવંત શાહ પ્રેમ વિષે લખતા જણાવે છે કે સાચા પ્રેમમાં સુખી થવા કરતા સુખી કરવાની વૃતિ વધુ પ્રબળ હોય છે. સાચો પ્રેમ એટલે સ્મરણ, સતત સ્મરણ, ભીનું સ્મરણ અને મધુર સ્મરણ. વનસ્પતિ સૃષ્ટિમાં જે સ્થાન પુષ્પનું છે, વસંતોત્સવમાં જે સ્થાન ટહુકાનું છે, વાદળોના ભીના મહારાજ્યમાં જે સ્થાન મેઘધનુષનું છે, શિશુના જીવનમાં જે સ્થાન માતાનું છે તે સ્થાન માણસના અસ્તિત્વમાં પ્રેમનું છે.
પ્રેમનો શાબ્દિક અર્થ ચાહવું. પ્રેમ એ એક શાશ્વત લાગણી છે જેને હૃદયથી અનુભવાય. પરંતુ આજે પ્રેમના જે કહેવાતા અર્થ પ્રચલિત બન્યા છે તે જાણે કે યુવક અને યુવતી વચ્ચે પ્રેમ એટલે માત્ર એવો સંબંધ કે જેનું પરિણામ માત્ર લગ્ન જ હોઈ શકે અને એનાથી પણ આગળ વધીને આજની યુવા પેઢીએ તો પ્રેમ એટલે શારીરિક સંબંધ એવો જ એક અર્થ બનાવી લીધો છે. પરંતુ આ બંને અર્થઘટન તદ્દન ખોટ્ટા છે. પ્રેમ એટલે બે વ્યક્તિઓ વચ્ચેનો સાયુજ્યનો સંબંધ. બે વ્યક્તિઓ વચ્ચે બંધાતો ભાવનાઓનો સેતુ પ્રેમ છે. સહિયારી સફરનું બીજું નામ છે પ્રેમ. કૂણી લાગણીઓની અભિવ્યક્તિ-અનુભૂતિ એ જ પ્રેમ. પ્રેમ બે વ્યક્તિઓ વચ્ચેનો પવિત્ર સંબંધ છે પછી તે સંબંધ મિત્રતાનો હોય, વાલી અને સંતાનનો હોય, ભાઈ-બહેનનો હોય, શિક્ષક-વિદ્યાર્થીનો હોય, પતિ-પત્નીનો હોય કે પછી કદાચ તે સબંધનું કોઈ સામાજીક નામ-કવચ ન પણ હોય. કોઈ યુવક અને યુવતી વચ્ચે મિત્રતાના સંબંધે પ્રેમનું અસ્તિત્વ તો હોય જ છે પરંતુ આ મિત્રતાનું પરિણામ લગ્ન જ હોય તેવી માન્યતા અસ્થાને છે.
મીરાંબાઈ કૃષ્ણને ચાહતા હતા પરંતુ તે એક ભગવાન અને ભક્તનો પ્રેમ હતો. રાધાએ પણ કૃષ્ણને પ્રેમ કર્યો હતો, રાધાનો પ્રેમ તો એટલો ઉચ્ચ કક્ષાનો હતો કે તેણે આજીવન કુંવારા રહીને પણ પોતાનું નામ કૃષ્ણને સમર્પિત કર્યું હતું. આપણે આજે પણ રાધા-કૃષ્ણને જ યાદ કરીએ છીએ. ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવે છે પરંતુ આજે પણ દરેક મંદિરમાં કૃષ્ણની સાથે રાધાની જ પ્રતિમા સ્થપાય છે. શું આ પ્રેમ નથી?
અમુક લોકો પ્રેમ પ્રદર્શિત કરવા માટે જાતજાતના નુસખા અપનાવે છે, જુદા જુદા કીમિયા અજમાવે છે, પરંતુ તેમની દરેક તરકીબો નિષ્ફળ જાય છે. કારણ કે પ્રેમ કરવાથી નથી થતો. પ્રેમ એ એક એવી લાગણી છે જે સ્વયંભુ છે. સ્વયં પ્રગટેલી લાગણી જ પ્રેમનો અનુભવ કરાવે છે. પ્રેમ એ કઈ ખાડો કે કુવો નથી કે “હું પ્રેમમાં પડ્યો છું” એવા નિવેદન કરવાની જરૂર પડે. પ્રેમમાં પડવાની તો ક્યાંય વાત જ નથી. પ્રેમ તો અનુભવવાની અને અનુભવ કરાવવાની લાગણી છે. પ્રેમ એ તો પામવાની પ્રસાદી છે. એક કવીએ કહ્યું છે કે
“નથી જરૂર શિક્ષકની પ્રેમમાં પડવામાં કે નહી પડવામાં, છતાં જરૂરી છે દીક્ષા પ્રેમની કળામાં””
પ્રેમ એક એક કળા છે અને એટલે જ દરેક વ્યક્તિ પ્રેમમાં સફળ નથી થતો. આજની યુવા પેઢી માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર પ્રત્યેની લાગણીને પ્રેમ માનતા જ માનતા જ નથી. આ સંબંધને તેઓ એક ફરજીવાત રીવાજ સમજીને નિભાવવા ખાતર નિભાવે છે. આજની યુવા પેઢી વિજાતીય આકર્ષણને જ પ્રેમનું સુંવાળું નામ આપે છે.
સાગર અને ચંદ્ર વચ્ચે પણ પ્રેમ સંબંધ છે. પુનમનાં સોળે કળા એ ખીલેલા ચંદ્રને જાણે કે આલિંગનમાં લેવા માટે સાગર ઘુઘવાટા મારતો દોટ મુકે છે. આપણે આ પ્રક્રિયાને ભરતી કહીએ છીએ પરંતુ આ પણ સાગર અને ચંદ્ર વચ્ચેનો પ્રેમ જ છે, પ્રેમ દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે ફરક છે માત્ર તેની નજરમાં. વ્યક્તિ પ્રેમને કયા દ્રષ્ટિકોણથી જુએ છે તેના પર બધો આધાર રહેલો છે બાકી પ્રેમ એ તો વ્યક્ત થવા માટે થનગનતી તાલાવેલી છે.
એક જગ્યાએ વાંચેલું યાદ આવે છે કે પ્રેમ દ્રવ્ય નથી કે તેમાં વધઘટ થઇ શકે, પ્રેમ એ પ્રવાહી નથી કે એની સપાટી ઊંચી કે નીચી થઇ શકે, પ્રેમ તો આકાશ છે જેમાં બધું સમાઈ શકે, બધું જ ઓગળી શકે અને નિઃશેષ શૂન્યતામાં વિલીન થઇ શકે. પ્રેમ ભાવનાની સરિતા છે, પ્રેમ એ કહેવાની નહીં પરંતુ સ્પર્શ દ્વારા અનુભવવાની ભાવના છે. ખરેખર તો પ્રેમ એ ત્યાગનું જ બીજું સ્વરૂપ છે. સાચો પ્રેમી એ જ છે જે ત્યાગ કરી જાણે. પ્રેમનો સાચો સંબંધ એ જ નિભાવી જાણે છે કે જેણે કદી પામવાની ઝંખના ન કરી હોય. પ્રેમનો સિદ્ધાંત જ એ છે કે પ્રેમ પામવાને બદલે પમાડતા આવડવું જોઈએ. જેણે પ્રેમમાં માત્ર પામવાની ઝંખના કરી હોય તેને કદી સફળતા મળતી નથી પરંતુ જેણે માત્ર આપવાની – ત્યાગની ભાવના સેવી હોય તે વ્યક્તિ આડકતરી રીતે તો કઈંક પામે જ છે અને પ્રેમની સાચી સફળતા જ એ છે કે કંઈ પણ પામ્યા વિના, સઘળું આપીને પણ સર્વસ્વ પામી લેવું એ જ સાચો પ્રેમ છે.
બે મિત્રો જયારે એકબીજા વિશે વિચારતા થાય, બંને ભાવનાઓનો જયારે સમન્વય સધાય, એક મિત્ર જયારે કોઈ ખાસ લાગણી અનુભવે અને તેની આંખ પરથી કે અન્ય કોઈ પણ રીતે સામા મિત્રને તે લાગણીનો અહેસાસ થાય, અનુભવ થાય તો સમજવું કે બંને મિત્રો વચ્ચે પ્રેમસંબંધ છે. એક વ્યક્તિના મનમાં અન્ય કોઈ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારની ભાવના જન્મે અને તે બે વ્યક્તિઓ વચ્ચે ખરેખર નિર્દોષ સંબંધ હોય (સંબંધનો પ્રકાર ગમે તે હોઈ શકે) તો તે ભાવનાના પ્રત્યુત્તરમાં સામી વ્યક્તિને પણ ભાવના હોવાની જ અને તેના માટે કોઈ શબ્દોની જરૂર રહેતી જ નથી. ભાવનાનું આ વિજ્ઞાન કોઈ ભાષા કે બોલીનું મોહતાજ નથી, આ વિજ્ઞાન ફક્ત મનની જ ભાષા, મૂકભાષા જ સમજે છે.
સાચા પ્રેમનું બીજું એક લક્ષણ છે વિશ્વાસ. જો વિશ્વાસને સ્થાન ન હોય તો પ્રેમ પણ શક્ય નથી. વિશ્વાસ એ પ્રેમનું પહેલું પગથિયું છે એમ કહી શકાય. એક પુરુષ અને સ્ત્રી વચ્ચે વિશ્વાસના પાયા પર મિત્રતાનો સંબંધ હોય પછી ભલેને તેઓ પોતાના સંબંધને મિત્રતાનું નામ આપવા ન માંગતા હોય તો પણ તેમની વચ્ચે રહેલા મિત્રતાના સંબંધમાં કોઈ ફરક આવતો નથી. હજુ પણ આપણા સમાજમાં રહેલી સંકુચિતતા ને કારણે કદાચ આ સંબંધ ગેરવ્યાજબી લાગે, લોકો તેમની નિંદા પણ કરે પરંતુ સમાજને જાગૃત બનાવવા, મૈત્રી અને પ્રેમનો ખરો અર્થ સમાજમાં સ્પષ્ટ કરવા માટે આજના યુવા વર્ગે જ કમર કસીને પ્રયત્નો કરવા પડશે અને તે માટે યુવાનોએ પ્રેમના ખરા અર્થને સમજીને સમાજમાં દાખલો બેસાડવો રહ્યો અને આ રીતે પ્રેમના ખરા અર્થને સમાજ સમક્ષ લાવીએ તે જ દિવસે સાચો વેલેન્ટાઇન ડે કહેવાશે.
Share: