પ્રિયે,
પ્રેમ શું છે? પ્રેમ સનાતન સત્ય છે, લાગણી છે, સંબંધ છે, જીવનનો પર્યાય છે. દરેક વ્યક્તિએ પ્રેમ તો કરવો જ જોઈએ. પ્રેમ વિના જીવન અધૂરું છે. આપણા મનમાં રહેલી અધુરપ પુરાય કે ના પુરાય પ્રેમ અધુરપનું મધુરપમાં રૂપાંતર કરે જ છે. પ્રેમ એક અનુભવ છે.
આજે પ્રેમના આ દિવસે તને પત્ર લખવો છે અને નથી પણ લખવો. બધી જ વાતો કહેવી છે અને કશી જ વાત નથી કહેવી. બધી જ વાત કોઈ કદીયે કરી શકતું નથી, લાગણીની લિપિ પૂર્ણપણે કોરા કાગળ પર અંકિત થઇ શકે ખરી? એટલે જ પત્ર લખવાની સનાતન પ્યાસ હોવા છતાં પણ લખવાનું માંડી વાળું છું પણ આ વાત માંડી વાળી શકાય એવીય નથી. હું લખું છું, વલખું છું, સૂરજનું કિરણ રોજ સવારે સમુદ્રના જળ પર પોતાની લિપિ આંકવા માટે અથાક પ્રયત્નો કરે છે, થાકીને તે ફરી પાછું રાતનાં અંધકારમાં લપાઈ જાય છે પરંતુ તારા દિલનાં કિરણોએ મારા હ્રદય પર લિપિ અંકિત કરી દીધી છે.
કેટલાક પ્રશ્નોના જવાબ કદાચ તું જ આપી શકે છે, તારી પાસે કોઈ જાદુ છે? કોઈને પરવશ કરવાની કળા છે? કેમ મારા આંખ-કાન તને મળવા માટે આટલા બધા અધીરા અને આકળા-બેબાકળા બન્યા છે?
મારે તને એક વાત કહેવી છે. તું આવ, અહીં આવ, પવનના તીરની ગતિ લઈને આવ. આ સાગરમાં મારી નાવ ડૂબી જાય છે, આ રાતનો અંધકાર જરી પણ નથી જીરવાતો. મારો આ સુર તારા શબ્દ વિના ક્યાં સુધી એકલો-અટૂલો રઝળતો-ગાતો ફર્યા કરશે? ગીતનું ગળું ભીંસી નથી નાખવું મારે, મારે તો મુક્તપણે ગાવું છે ગીત તારા પ્રેમના રેશમી બંધનનું.
હાથમાં તારો હાથ હોવો જોઈએ, જીવનમાં તારો સાથ હોવો જોઈએ. ચાલ, આપણે સ્મશાનગૃહમાં સ્મિત અને પ્રેમની અગ્નિ ચાંપીને આંસુઓનો અગ્નિસંસ્કાર કરીએ.
હું આ પત્રના પ્રત્યુત્તરની પ્રતીક્ષા નહિ કરું કારણ કે મારું હ્રદય પ્રતીક્ષા કરે છે તારા આગમનની.
લિ.
તારા પગરવનો પ્રતિક્ષાર્થી…….
Share: