પ્રિયે,
આજે પ્રેમના દિવસે હું તને એક પ્રશ્ન પૂછવા માંગુ છુ, મને મારા પ્રશ્નનો ઉત્તર આપીશ?
પ્રેમ શું છે?
હું જ્યારે પણ વિચારું છુ કે પ્રેમ શું છે ત્યારે મને ફક્ત તારો જ ચહેરો દેખાય છે, તારી કાજળ ભરેલી કામણગારી આંખો, તારા ઘટાદાર કેશ, તારા રતુંબડા ગાલ, ગુલાબની કળી જેવા કોમળ હોઠ, શરમથી રાતોચોળ થતો તારો ચહેરો જ મારી આંખો સમક્ષ ઉપસી આવે છે. એક પળ માટે વિચાર આવે કે તારો ચહેરો જ પ્રેમ છે કે તરત જ તારો મધુર અવાજ મારા કર્ણપટલને મધમીઠા રણકારથી ભરી મૂકે છે, જાણે કે જગતમાં બીજા કોઈ અવાજ જ ના સાંભળુ અને ફક્ત તને જ સાંભળ્યા કરું! અહીં એમ થાય કે તારો અવાજ જ પ્રેમ છે, બીજી જ ક્ષણે તારી સાથે વિતાવેલી ક્ષણો યાદ આવી જાય છે. જ્યારે તારી સાથે હોઉં છુ ત્યારે જાણે સમગ્ર વિશ્વ મારા માટે અજાણ્યું – પારકું બની જાય છે. મારા મન-મસ્તિષ્કમાં આવતી દરેક ચિંતા – વ્યથા – વ્યગ્રતા તારા સાથમાં ઓગળી જાય છે અને હું તદ્દન હળવોફૂલ બની જાઉં છુ. એવો અહેસાસ થાય છે કે પ્રેમ એટલે માત્ર તારો સાથ – સહવાસ.
જ્યારે પણ મારા મનમાં પ્રેમ શબ્દનો વિચાર આવે ત્યારે જાણે કે પ્રેમના પર્યાય સમાન તું જ ત્યાં હાજર હોય છે.
આજે તને એક વાત કહેવી છે, મારા મનમાં રહેલી પ્રેમની વ્યાખ્યા આજે તારી સમક્ષ વ્યક્ત કરવી છે. પ્રેમ શું છે? પ્રેમ લાગણી છે, પ્રેમ અભિવ્યક્તિ છે, પ્રેમ અનુભૂતિ છે, પ્રેમ ત્યાગ છે, પ્રેમ સમર્પણ છે, પ્રેમ મુક્તિ છે. પ્રેમ ની વાત કરું ત્યારે મારા ગમતા કવિ શ્રી અંકિત ત્રિવેદીની એક વાત યાદ આવે છે
પ્રેમ દરેક વખતે ભેગા નથી કરતો. જુદા પણ કરે છે. તમને તમારાથી જુદા કરે છે. પ્રેમ થાય પછી આપણામાં આપણે નથી હોતા, માત્ર આપણી ગમતી વ્યક્તિ જ હોય છે,
પ્રિયે, મને પ્રેમમાં કશું જ પામવું નથી, બધુ જ આપી દેવું છે. મારા પ્રેમમાં કોઈ આશા નથી કે નથી કોઈ પરિણામને પામવા માટેનો પ્રેમ. મારા પ્રેમની મંઝિલ માત્ર તું જ છે કારણકે મારું મન ઝંખે છે તારા આત્માનું મિલન, શરીરના મિલનનું મારા પ્રેમમાં કોઈ જ સ્થાન નથી.
આવો છે મારો પ્રેમ, તારો પ્રેમ કેવો છે, તારા શબ્દોમાં અભિવ્યક્ત કરીશ તો મને ગમશે.
લિખિતંગ
તારા પ્રેમભર્યા પગરવનો પ્રતિક્ષાર્થી.
Share: